मंगलवार, 21 जून 2022

રેશમથી પણ રેશમ

 रेशम से भी रेशमी.

****************


નેહાલતા – સાક્ષાત ઉર્વશીનો માનવ અવતાર છે. સૌંદર્યની દેવી વિનસ પણ એને જોઈને ઈર્ષ્યાથી બળી મરે. એનાં રોમરોમે વસંત મ્હોરી છે. પરંતુ, એક કાર એક્સિડેન્ટમાં એનાં મગજને ગંભીર ઈજા પહોંચે છે. અને 22 વરસનું ફાટફાટ યૌવન ધરાવતાં તનમાં 7 વરસની બાળકીનું મન આરોપિત થઇ જાય છે.


એવામાં એને સોમુ મળે છે. કામદેવના હ્યુમન વર્ઝન જેવો સોમુ એને પોતાના ઘરે લઇ આવે છે. નેહા પોતાનો તમામ ભૂતકાળ ભૂલી ચૂકી છે. એને પોતાનું નામ સુદ્ધાં યાદ નથી. એનું નવું નામ રેશમી રાખવામાં આવે છે. સોમુ અને રેશમીની નિર્દોષ, નિખાલસ મૈત્રી દિવસોદિવસ ગાઢ થતી રહે છે. સોમુ એની સારસંભાળ રાખે છે. આળપંપાળ કરે છે. નટખટ બાળકી જેવી રેશમીનાં નાજનખરાં સાચવે છે. અને, એનાં મગજની સારવાર પણ કરાવે છે.


રેશમીને કપડાં પહેરાવવાથી કરીને, રમવા-જમવાની પણ કેર કરતો સોમુ એની નીંદરને સંકોરવા માટે લોરી ગાય છે. મધરાતનો ગજર છે. શાંત સૂનું ઘર છે. સુંદર નારી અને યુવાન નર છે. પણ યુવતી જાણે કે કોક નિશ્છળ બાળકી છે અને યુવાન જાણે કે પ્રેમાળ પિતા જેવો છે. રેશમીનાં રેશમ જેવા ગાલ પર, વાંસા પર, સોમુનો હાથ ફરે છે પણ અહીં વાસના નથી; વાત્સલ્ય છે!


હકીકતે, સોમુ (કમલ હાસન) રેશમી (શ્રીદેવી)થી પ્રેમ કરે છે. બિલ્કુલ એવાં પ્રકારનો જ પ્રેમ કરે છે જેવો એક પુરૂષ એક સ્ત્રીને કરતો હોય. પરંતુ, આ ક્ષણે એક પુરુષની અંદર એક પિતા ધબકે છે અને એક સ્ત્રીના પંડમાં એક બાળકી શ્વસી રહી છે.


નિર્દેશક બાલુ મહેન્દ્રએ અદભૂત ટ્રીટમેન્ટ આપી છે. મનોવિજ્ઞાન કહે છે કે દરેક સ્ત્રી પોતાનાં જીવનસાથી અથવા પ્રેમીમાં સૌ પ્રથમ પોતાનાં પિતાને શોધતી હોય છે. એવું જ પુરૂષ મનોજગતમાં પણ થતું હોય છે. પ્રેમની ઉત્કટ ક્ષણે પ્રેમી અચાનક પિતાના રૂપમાં પલટાઈ જતો હોય છે.


જેમ ફિલ્મ ‘सदमा’માં નાયકની કાયામાં એક પિતા પ્રવેશી ગયા છે તેમ જ ફિલ્મ ‘हाइ-वे’માં ઈમ્તિયાઝ અલી કોક કવિતાની જેમ દૃશ્યો ફિલ્માવે છે – અહીં પણ નાયક ઉમરમાં મોટો છે. નાયિકા એના પ્રમાણમાં બાળકી જેવી છે. અલબત્ત, બંને માનસિક રીતે સંપૂર્ણપણે પુખ્ત છે. બંને હૈયામાં ભરપુર પ્રેમ પાંગર્યો છે. બંને ‘बिन फेरे – हम तेरे’ બની ગયાં છે. આજે એમની મધુરજની છે. નાયિકા શ્રુંગાર કરીને પ્રતીક્ષા કરી રહી છે. પણ નાયકના અતૃપ્ત બચપનવાળા મનમાં વારંવાર એની માતા સજીવન થઇ જાય છે. એના હૃદયમાં, મન-મગજમાં માનું ગાયેલું હાલરણું ગુંજાયમાન થયા કરે છે..


‘सदमा’માં બાલુ મહેન્દ્ર સ્ત્રી-પુરુષનું પિતા-પુત્રી જેવું સ્વરૂપ ઉપસાવે છે તો ‘हाइ-वे’માં ઈમ્તિયાઝ અલી પ્રેમી-પ્રેયસી વચ્ચે માતા-પુત્ર જેવું સમીકરણ ગૂંથે છે. આપણા કવિશ્રી લાભશંકર ઠાકરની નવલકથા ‘પીવરી’માં નાયક આચાર્ય દૃઢબળ અને નગરવધુ પીવરી વચ્ચે આવો જ અટપટો, વિચિત્ર પરંતુ તર્કસંગત નાતો આલેખાયો છે.


આજે ‘ફાધર્સ-ડે’ના દિવસે મહાન સંગીતકાર ઇલિયારાજા દ્વારા સ્વરબદ્ધ કરેલી, ગુલઝાર સાહેબની લખેલી અને યશુદાસજીની ગાયેલી અદભૂત લોરી યાદ કરીએ કે જેમાં પ્રેમીની અંદર એક પિતા આકારિત થયો છે. પ્રેમીનું આ વાત્સલ્યમયી સ્વરૂપ માત્ર સ્ત્રીઓને જ નહીં પુરુષોને પણ અભિભૂત કરે એવું સુકોમળ છે.


ચાલો – ‘रेशम से भी रेशमी’ આ સંબંધના આવરણ તળેથી એક રેશમી રિશ્તો પામીએ/માણીએ!


सुरमई अंखियों में नन्हा-मुन्ना एक सपना दे जा रे.

निंदिया के उड़ते पांखी रे, अंखियों में आ जा साथी रे.


सच्चा कोई सपना दे जा, मुझको कोई अपना दे जा,

अन्जाना-सा.. मगर कुछ पहचाना-सा!

हल्का-फुल्का शबनमी, रेशम से भी रेशमी..

सुरमई अंखियों में नन्हा-मुन्ना एक सपना दे जा रे.


रात के रथ पर आने वाले, नींद का रस बरसानेवाले,

इतना कर दे.. कि मेरी आँखें भर दे!

आँखों में बसता रहे – सपना ये हँसता रहे..

सुरमई अंखियों में नन्हा-मुन्ना एक सपना दे जा रे!


#

૧૯૮૩ ની આ ફિલ્મ માટે કમલ હાસનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એનાં ક્લાઈમેક્સ સીન માટે ફરી ક્યારેક એક આખો આર્ટીકલ લખીશ. કારણ કે, જેટલી વાર જોયો છે આંખમાં ઝળઝળીયાં બાઝી ગયાં છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें